વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શ્રી મૈરાળ ગણપતિનું 250 વર્ષ જુનું ઐતિહાસિક મંદિર આવેલું છે. એક જમાનામાં મંદિરના ભોંયરામાં અઢળક સંપત્તિ હતી. શ્રી મૈરાળના ગણપતિની સ્થાપના કરનાર સ્વ. ગોપાલરાવ મૈરાળે બરોડા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડને નવકોટીનું દાન કર્યું હતું. આથી તેઓ નવકોટી નારાયણ કહેવાતા હતા. હાલ ગણપતિ ઉત્સવ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.
ગાડાઓમાં ભરીને સોના-મહોર મહારાજાને ભેટ આપી હતી
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શ્રી મૈરાળ ગણપતિ ધુંડીરાજ ગણપતિ તરીકે પણ જાણીતા છે. મંદિરનું સંચાલન કરતા ડો. આશુતોષ મૈરાળે જણાવ્યું હતું કે, આ ગણપતિ મંદિર 2100 સ્ક્વેર ફૂટ જગ્યામાં છે. મંદિરની નીચે એક વિશાળ ભોયરૂં છે. પરંતુ વર્ષોથી આ ભોંયરામાં કોઇ ગયું નથી.
કહેવાય છે કે, આ ભોંયરામાં અઢળક ખજાનો રહેતો હતો. અમારા પૂર્વજ અને શ્રી મૈરાળ ગણપતિની સ્થાપના કરનાર સ્વ. ગોપાલરાવ મૈરાળ મહારાજાના દરબારમાં દિવાન હતા. તેઓએ મહારાજા ખંડેરાવ મહારાજને નવકોટીનું દાન કર્યું હતું.
નવકોટી એટલે હાલના રૂપિયા 9 કરોડની કિંમતનું દાન કર્યું હતું. એમ પણ કહેવાય છે કે, વાડી મૈરાળ ગણપતિ મંદિરથી માંડવી નજરબાગ સુધી લાઇન લાગેલા ગાડાઓમાં સોના-મહોર ભરીને મહારાજાને ભેટ આપી હતી. આથી તેઓ નવકોટી નરાયણ કહેવાતા હતા.
સાતમી પેઢી મંદિરનું સંચાલન કરે છે
ડો. આશુતોષ મૈરાળે વધુમાં જણાવ્યુ હતું કે, અમારી સાતમી પેઢી મંદિરનું સંચાલન કરે છે. આ મંદિર હવેલી જેવું છે. સંપૂર્ણ સાગ, સિસમ અને આરસપાનના પથ્થરમાંથી બનાવેલ મંદિર બે માળનું છે. મંદિરનું બાંધકામ હેમાળપંથી શૈલીનું છે. મંદિરમાં અદભૂત કોતરણી છે. મંદિર પરિસરમાં બે ફૂવારા છે. મંદિરમાં શ્રી ગણેશજી સહિત તેમના પરિવારની સ્થાપના કરવામાં આવેલી છે. આ મંદિરનું વિશેષ મહત્વ છે. આ પ્રકારનું મંદિર વર્તમાન યુગમાં બનવું મુશ્કેલ છે.
ગોપાલરાવે 21 મંદિરની સ્થાપના કરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વ. ગોપાલરાવ મૈરાળે વાડીના આ ગણપતિ મંદિર સહિત શિનોર ખાતે શ્રી સિદ્ધી વિનાયક, વડોદરામાં રાજમહેલ રોડ પર શ્રી સિદ્ધનાથ, ગીરગાંવ મુંબઇ અને ઉમરાગ સહિત 21 ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી.
ગુરવ પરિવારની ત્રીજી પેઢી આરતી સમયે શરણાઇ વગાડવા આવે છે
આ મંદિરમાં રોજ સંધ્યાકાળે શરણાઇના સૂર સાથે શ્રી મૈરાળ ગણપતિની આરતી કરવામાં આવે છે. ગુરવ પરિવારની ત્રીજી પેઢી મંદિરમાં આરતી સમયે શરણાઇ વગાડવા માટે આવે છે. જેને ચૌંઘડા વાંજત્રી કહે છે. તેમ ડો. આશુતોષ મૈરાળે વધુમાં જણાવ્યું હતું.
દાનની રકમમાંથી મંદિરમાં અભિષેક થાય છે
એવી માન્યતા છે કે, શ્રી મૈરાળ ગણપતિ મંદિરમાં પાંચ મંગળવાર ભરનારની મનોકામના પૂરી થાય છે. મંગળવાર ઉપરાંત સંકટ ચોથ અને વિનાયક ચોથના દિવસે મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. દાનની રકમમાંથી મંદિરમાં અભિષેક કરવામાં આવે છે. શ્રી મૈરાળ ગણપતિ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.