સંત અને ઈશ્વરના સંગમનું સ્થળ એટલે ભાવનગરનું અધેવાડાનું ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર એવી આ મંદિરની ખ્યાતિ ફેલાયેલી છે. ભાવનગરથી મહુવા તરફના હાઇવે પર શહેરની બહાર નીકળતા પ્રથમ આવતું ગામ એટલે અધેવાડા. અધેવાડા ગામમાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આપને જણાવીએ કે બંડીવાળા બજરંગદાસ બાપાનો સબંધ અધેવાડા ગામ સાથે જોડાયેલો છે. ઝાંઝરીયા નામ કેમ પડ્યું અને શું હતો સંતનો સબંધ અધેવાડા ગામ સાથે જાણો.
આસ્થાનું કેન્દ્ર :
ભાવનગરના અધેવાડા ખાતે આવેલું ઝાંઝરીયા હનુમાન મંદિર ભાવનગરવાસીઓના આસ્થાનું કેન્દ્ર છે.સંતની ભૂમિ કહેવાતા ભાવનગર શહેરના છેવાડે ઝાંઝરીયા હનુમાનજીનું સ્થાનક છે. આ ઝાંઝરીયા હનુમાનજીના સ્થાનક સાથે સંતના જન્મનો સંગમ આ જમીન સાથે જોડાયેલો છે. જો કે અધેવાડાની અને ભાવનગરની ભૂમિ સંત ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારે ઝાંઝરીયા હનુમાનજીનું મહત્વ વિસ્તારથી સમજીએ.
ઝાંઝરીયા હનુમાનજી કેટલા વર્ષ પહેલાં સ્થાપિત :
ભાવનગરના શહેરના અધેવાડા ગામ ખાતે ઝાંઝરીયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. માલેશ્રી નદી કાંઠે બિરાજમાન ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આશરે 700 વર્ષ જૂનું હોવાનું લોકવાયકામાં કહેવાય છે. આજે પણ ઝાંઝરીયા હનુમાનજીના શરણમાં ભાવનગરવાસીઓ શનિવાર અને મંગળવારના રોજ અચૂક દર્શને પહોંચે છે. અઠવાડિયાના બે દિવસ હનુમાનજીના શરણમાં હજારો ભાવનગરવાસીઓ શિશ નમાવવા જાય છે.
ભક્ત સાથે આવેલા ઝાંઝરીયા હનુમાનજી :
ઝાંઝરીયા હનુમાનજીનું લોકવાયકામાં દર્શાવેલા ઇતિહાસ જોવા જઈએ તો કનાડ ગામથી હનુમાનજી મહારાજ પોતાના ભક્તની સાથે ઝાંઝર પહેરીને અધેવાડા આવ્યા હતાં. ત્યારથી ત્યાં હનુમાનજી બિરાજમાન છે. આથી હનુમાનજીનું નામ જ ઝાંઝરીયા હનુમાન પડ્યું હતું.
ઝાંઝરીયા હનુમાનજીના શરણમાં શિશ નમાવીને સાચા મનથી મનોકામના કરનાર ભક્તોની પોતાની ઈચ્છાઓ હનુમાનજી પરિપૂર્ણ કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની સમસ્યા હોય ઝાંઝરીયા હનુમાનજીને ત્યાં ચાલીને જવાની અથવા તો એક પાંચ કે સાત જેવા શનિવાર દર્શન કરવાની માનતાઓ લોકો રાખતા આવ્યા છે. જેના દરેક કામો હનુમાનજીએ કર્યા હોવાનું લોકમુખે ચર્ચાય છે.
બજરંગદાસ બાપાનો હનુમાનજી સાથે જમીની સબંધ :
ભાવનગરના અઘેવાડા ગામે માલેશ્રી નદી કાંઠે બિરાજમાન હનુમાનજીની સાથે સંત બજરંગદાસ બાપાનો પણ નાતો જોડાયેલો હોવાનું લોકવાયકામાં જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે બજરંગદાસ બાપાનો જન્મ અધેવાડા ગામ ખાતે હનુમાનજી મહારાજ બિરાજમાન સુખાકારી જમીન પર થયો હતો.
આમ અધેવાડાની જમીન ખૂબ જ સુખાકારી અને પવિત્ર હોવાનું માનવામાં આવે છે. બજરંગદાસ બાપાને માનનાર દરેક ભક્ત અચૂક ઝાંઝરીયા હનુમાનજીની મુલાકાત લઈને ઝાંઝરીયા હનુમાનજીના શરણમાં પોતાનું શિશ નમાવી પોતાની શ્રદ્ધા, ભાવના અને આસ્થા વ્યક્ત કરે છે.
મંદિરની દિશા અને સાથે અન્ય દેવાલય ક્યાં :
ઝાંઝરીયા હનુમાનજીની વાત કરવામાં આવે તો હનુમાનજી મહારાજ ઉત્તર દિશામાં બિરાજમાન છે. તેમનું મુખ દક્ષિણ દિશા તરફ છે. જો કે તેમની બાજુમાં બજરંગદાસ બાપાનું પણ મંદિર અને બીજી તરફ ભગવાન શિવ બિરાજમાન છે.
ભાવનગરના અનેક લોકો પોતાના સમગ્ર પરિવાર સાથે જઈને અહીંયા દર્શન કરતા દર શનિવાર અને મંગળવાર જોવા મળે છે. હનુમાનજીને આંકડાનો હાર અને શ્રીફળ વધેરીને હનુમાનજીના ભક્તો પોતાની આસ્થા રજૂ કરતા દ્રશ્યમાન થાય છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.