ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે. જ્યાં સાક્ષાત ખોડિયાર માતાના બેસણા છે તેવા લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર રાજપરા ખોડિયાર મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે.
તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે. પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે, એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે. સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે. રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા.
તેમણે ખોડિયાર માતાજીને પોતાની એ સમયની રાજધાનીમાં બેસણા કરવાનું આવવાની વિનંતી કરી તો માતાજીએ પ્રસન્ન થઈ સ્વપ્નમાં આવી ભક્તરાજાની વિનંતી સ્વીકારી સાથે માતાજીએ એવી શરત પણ મુકી કે, હું પાછળ આવું છું તમે પાછું વાળીને જોતા નહિં, પાછું વાળી જોશો તો હું ત્યાં જ રહિશ.
‘ ખોડિયાર માતાજીએ લીધેલા વચન બાદ મહારાજા તેમના સૈનિકો, ઘોડસવારો સાથે આગળ ધપી રહ્યા હતા. ત્યાં રાજપરા ગામની તે કુદરતી સૌંદર્ય માતાજીને પસંદ પડી ગયું અને આજે જ્યાં મંદિર છે ત્યાં માતાજીએ રથનો આવજ ક્ષણભર માટે બંધ કરી રથ થંભાવી દીધો હતો. જેથી મહારાજાએ પાછું વાળીને જોતા ખોડિયાર માઁ વચન મુજબ કાયમ માટે અહીં રોકાય ગયા હતા.
ત્યારબાદ મહારાજાએ રાજપરા મુકામે માતાજીન સ્થાપના કરી બાદમાં ભાવસિંહજી ગોહિલે 1914 આસપાસ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું છત્તર ચડાવ્યું બાદમાં પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ માતાજીનું હાલનું મંદિર બનાવ્યું હતું. રાજવી પરિવારને માઁ ખોડલ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હોવાને કારણે જ કુળદેવી ચામુંડા માઁ હોવા છતાં સહાયક કુળદેવી તરીકે ખોડિયાર માતાજીનું આજે પણ રાજવી પરિવાર પૂજન કરે છે.
તાતણિયા ધરાના કાંઠે ઉંચી-નીચી ટેકરીઓ વચ્ચે 36 થાંભલા અને વિશાળ મંડપ વાળું ખોડિયાર માતાજીનું મંદિર સમય સાથે જેમ જેમ જગપ્રખ્યાત થતું ગયું તેમ તેમ મંદિરનો વિકાસ પણ કરવામાં આવતો ગયો હતો. મંદિરની નજીકમાં જ 1930 થી 1935 વચ્ચે ખોડિયાર તળાવ પણ બાંધવામાં આવ્યું હતું.
ખોડિયાર માતાજીના દર્શન માટે આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો રાજપરા ધામે આવે છે. નવરાત્રિના પ્રારંભે અને દિવાળી બાદ રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં તેમજ ઉનાળામાં દર શનિવારે સ્થાનિક શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પગપાળા આવે છે. રવિવારે માંઈભક્તોની ભીડ રહે છે.
ખોડિયાર માતાનું જન્મસ્થાન રોહિશાળા
ખોડિયાર માતાજીનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે. ચારણ જ્ઞાાતિમાં જન્મેલા માઁ ખોડલ સાત બહેનમાં સૌથી નાના હતા. ખોડિયાર માતાજીને એક ભાઈ પણ હતા. શિવઉપાસક તેમના પિતાની ભક્તિથી પ્રસંન્ન થઈ શિવજીએ આપેલા વરદાનથી નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્રએ અવતાર ધારણ કરી મહા સુદ આઠમના દિવસે ચારણ પરિવારમાં જન્મ લીધો હતો. દર વર્ષે મહા સુદ-8ના રોજ ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ભક્તો ખોડિયાર માતાના જન્મસ્થાને પણ શિશ નમાવવા મોટી સંખ્યામાં રોહિશાળા ગામે પહોંચે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.